રામ મંદિરમાં રામલલાના ડ્રેસ ભગવામાંથી બદલી પીળો કરાયો
રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અનુસાર રામલલાના મંદિરના પૂજારીઓના ડ્રેસમાં ફેરફાર કરાયો છે. અત્યાર સુધી ગર્ભગૃહમાં પૂજારીઓ ભગવા વસ્ત્રમાં જોવા મળતા હતા, જેમાં ભગવા રંગનો કુર્તો, ધોતી અને પાઘડીનો સમાવેશ થતો હતો. જો કે હવે પૂજારીઓએ પીળા રંગના કુર્તા, ધોતી અને પાઘડી પહેરવાનું પણ શરૂ કર્યું છે. આ ઉપરાંત ગર્ભ ગૃહમાં મોબાઈલ ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
મંદિર અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવો ડ્રેસ કોડ પહેલી જુલાઈથી લાગુ થઈ ગયો છે. ‘ચૌબાની’ તરીકે ઓળખાતા પૂજારીઓના આ પરંપરાગત કુર્તામાં બટન નથી હોતા, તેના બદલે વચ્ચેથી બાંધવા માટે જાડા દોરાનો ઉપયોગ કરાય છે. આ કુર્તા સાથે પગની ઘૂંટી સુધીની એક મોટી સુતરાઉ ધોતી કમરની ચોતરફ બાંધવામાં આવે છે. આ ધોતી પહેરવાની એક ખાસ પદ્ધતિ હોય છે. આ સિવાય પૂજારીઓએ પીળી પાઘડી પહેરવી પણ જરૂરી છે.
રામ મંદિરમાં એક મુખ્ય પૂજારીની સાથે ચાર સહાયક પૂજારી છે. દરેક સહાયક પૂજારીની સાથે પાંચ તાલીમાર્થી પૂજારી પણ રખાયા છે. આ પૂજારીઓની દરેક ટીમ સવારે 3:30 વાગ્યાથી રાતે 11 વાગ્યાની વચ્ચે પાંચ કલાકની શિફ્ટમાં સેવા આપે છે. આ તમામ પૂજારીઓને પણ મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પણ પ્રતિબંધ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ધર્મમાં પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે. શુભ કાર્યોમાં પીળા અને ભગવા રંગનો જ ઉપયોગ કરવામાં આવે છે.
હિંદુ શાસ્ત્રોમાં રંગોનું આધ્યાત્મિક મહત્ત્વ દર્શાવાયું છે
હિંદુ ધર્મમાં રંગનું આધ્યાત્મિક મહત્ત્વ છે. ભગવો રંગ ત્યાગ, પ્રકાશ અને મોક્ષની ખોજનું પ્રતિનિધિત્વ કરે છે. તે આગનો રંગ છે. તે પવિત્રતા અને બલિદાનનું પણ પ્રતીક છે. બીજી તરફ, પીળો રંગ ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલો છે. તેઓ ભગવાન રામનો અવતરા છે. પીળો રંગ જ્ઞાન, શિક્ષણ અને ખુશીઓનું પ્રતીક છે. તે શુભ મનાય છે અને અનુષ્ઠાનમાં પણ પીળા રંગનું માહાત્મ્ય હોય છે.
PM મોદીએ શિલાન્યાસમાં પીળા રંગનો કુર્તો પહેર્યો હતો
રામ મંદિરનો 5 ઓગસ્ટે શિલાન્યાસ કરાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીળા રંગનો કુર્તો જ પહેર્યો હતો. જો કે, એ વખતે હાજર પૂજારીઓ ભગવા રંગના વસ્ત્રમાં હતા