ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

સૌરભ પટેલે પ્રધાનપદ જાય તે પૂર્વે સુઝલોનને તગડો ફાયદો કરાવ્યો!

– ઊર્જા મંત્રીએ પવન ઊર્જાથી પેદા કરવામાં આવતી વીજળી પર કોઈ જ ઇલેક્ટ્રીસિટી ડયૂટી ન લેવાનો નિર્ણય પણ પોલિસીના આડમાં લઈ લીધો

અમદાવાદ,સોમવાર

મુખ્યપ્રધાનના હોદ્દા પરથી આનંદીબહેન પટેલે રાજીનામું આપી દીધું તે પછી ગુજરાતનું પ્રધાનમંડળ પણ વિખેરાઈ જશે તે સ્પષ્ટ થઈ ગયું હોવા છતાંય ઉર્જા મંત્રી સૌરભ પટેલે આગામી પાંચ વર્ષ માટે નવી પવન ઉર્જા પોલીસીની જાહેરાત કરી દીધી હતી.

સૌરભ પટેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી માટેની બેઠકમાં હાજરી આપવા નવી દિલ્હી ગયા હતા અને તેમણે દિલ્હીમાં બેઠાં બેઠાં જ ગુજરાત માટેની નવી પવન ઉર્જા નીતિની જાહેરાત કરી દીધી હતી. સામાન્ય રીતે સરકારના મોભીએ રાજીનામું આપ્યું હોય તે પછી કોઈપણ નીતિવિષયક નિર્ણય લેવો અનુચિત હોવાથી કોઈપણ પ્રધાન નીતિવિષયક નિર્ણયો લેતા હોતા નથી.
વિજય રૃપાણીના વડપણ હેઠળની ગુજરાતની નવી સરકારમાં પોતાને કોઈ જ હોદ્દો ન મળવાનો હોવાનું કળી ગયેલા સૌરભ દલાલે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રની અગ્રણી કંપની સુઝલોનને ફાયદો કરાવવા માટે નવી પોલીસીની ફટાફટ જાહેરાત કરી દીધી હોવાનું માનવામાં આવે છે.

સૌથી વધુ રસપ્રદ બાબત તો એ છે કે નવી પવન ઉર્જા નીતિની જાહેરાત કરવામાં આવી કે તરત જ સુઝલોને સૌરભ દલાલે જાહેર કરેલી ઉર્જા નીતિની પ્રશંસા કરતી પ્રેસનોટ બહાર પાડી હતી. સુઝલોનના માલિક તુલસી તાંતીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે નવી પવન ઉર્જા નીતિ ગુજરાતમાં પવન ઉર્જાના ક્ષેત્રમાં નવું મૂડીરોકાણ ખેંચી લાવશે.

સૌરભ પટેલે જાહેર કરેલી નવી નીતિમાં પવન ઉર્જાનો ઉપયોગ કરીને પેદા કરવામાં આવતી વીજળી પર કોઈ જ ઇલેક્ટ્રીસિટી ડયૂટી લેવામાં આવશે નહિ. તેવી જ રીતે પવન ઉર્જાનો ઉપયોગ કરીને પોતાની રીતે વીજળી પેદા કરનારાઓને ક્રોસ સબસિડીના સરચાર્જ તથા એડિશનલ સરચાર્જમાંથી પણ માફી આપવામાં આવી છે. પવન ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવે અને તે વીજળી કોઈ ત્રીજી પાર્ટીને વેચવામાં આવે તો તેવા સંજોગોમાં તે વીજળી પરની ક્રોસ સબસિડીના સરચાર્જ અને એડિશનલ સરચાર્જમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય પણ પોલીસીના માધ્યમથી લીધો છે.

પવન ઉર્જાનો ઉપયોગ કરીને પેદા કરવામાં આવતી વીજળી પોતાને માટે જ ઉપયોગમાં લેવાય તો તેવા સંજોગોમાં ૧૧ કેવીએના ટ્રાન્સમિશન પર થતાં ડિસ્ટ્રીબ્યુશન લૉસ અને વ્હિલિંગ ચાર્જમાં પણ ૫૦ ટકાની સબસિડી આપવાની જાહેરાત કરી દીધી છે. જેડા-ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીને નવી નીતિના અમલીકરણ માટેની નોડલ એજન્સી બનાવવામાં આવી છે. નવા પ્લાન્ટ અને મશીનરીનો ઉયપોગ કરનારાઓને આ નીતિ હેઠળ તમામ પ્રકારના ઇન્સેન્ટિવ આપવાના પગલાં નવી પોલીસીમાં લેવામાં આવ્યા છે.

આમ છેલ્લા દિવસે નવી પોલીસીની જાહેરાત કરી દેવાનું સૌરભ પટેલનું પગલું સદંતર અનુચિત છે. આ પોલીસી એક ખાનગી કંપનીને લાભ કરવા માટેની પોલીસી જ હોવાનું જ ચિત્ર ઉપસી રહ્યું છે. આ નિર્ણયો લેતા પહેલા ડિપાર્ટમેન્ટના કોઈ જ અધિકારીઓના મંતવ્યો લેવામાં આવ્યા નહોતા, એમ ગુજરાત સરકારના એક સિનિયર અધિકારીનું કહેવું છે. અધિકારીઓનું માનવું છે કે આ નવી નીતિ સુઝલોનને ઘી કેળાં કરાવતી હોવાથી મુખ્યમંત્રી વિજય રૃપાણીના વડપણ હેઠળની સરકારે તે રદ જ કરી દેવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x