ઉત્તરપ્રદેશમાં મોટી ટ્રેન દુર્ઘટના, દિબ્રૂગઢ એક્સપ્રેસના 10-12 કોચ પાટા પરથી ખડી પડ્યાં
ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા. ટ્રેન ઉભી થતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. રેલવે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે.
15904- દિબ્રુગઢ એક્સપ્રેસ ચંદીગઢથી દિબ્રુગઢ સુધી ચાલે છે. આ ટ્રેન ગુરુવારે 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવારે બપોરે, જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ઘડાકો સંભળાયો હતો. જેનાથી મુસાફરો ચિંતિંત થયા હતા. ત્યાં અચાનક ટ્રેન હાલકડોલક થવા લાગી હતી. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝિલાહી સ્ટેશન પાસે અકસ્માત અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ગઈ હતી. આ દરમિયાન એસી બોગી સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ઘટનાની જાણ તરત જ રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.