રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ દ્વારા રાજ્યના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તર-પૂર્વ તરફ પવનની દિશા રહેતા ઠંડીનું જોર વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લઘુતમ તાપમાનમાં હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાની શક્યતા નથી. ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે લોકો હવે તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ તરફ હવે પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો.આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન તો વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ રાજ્યના કચ્છ, મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા તો અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.