સંસદમાં ધક્કા પર રાજનીતિ: ભાજપ – કોંગ્રેસના નેતાઓ આમને-સામને
સંસદ પરિસરમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હોવાનું સામે આવ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો આજે વિરોધ દરમિયાન બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને માથામાં ઈજાઓ થઈ છે. સારંગીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા છે. અને ધક્કો માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે, જે બાદ રાહુલ ગાંધીએ પણ મીડિયા સમક્ષ આવી સમગ્ર બાબતે સ્પષ્ટતા કરી હતી. આ ધક્કા રાજનીતિ મામલે હવે કોંગ્રેસ અને ભાજપ નેતાઓ આમને સામને આવી ગયા છે.કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદ પરિસરમાં થયેલી ધક્કામુક્કી પર રાહુલ ગાંધીને આડે હાથ લીધા અને કહ્યું કે, હું રાહુલ ગાંધીને સવાલ કરવા માંગુ છું કે આ શારીરિક શક્તિનુ પ્રદર્શન કરવાની જગ્યા નથી. જો દરેક વ્યક્તિ પોતાની શક્તિનુ પ્રદર્શન કરવા લાગે તો સંસદ કેવી રીતે ચાલશે? શક્તી પ્રદર્શન કરવાનો અર્થ શું છે? આ કરાટે અથવા કુંગફુ માટેનું સ્થાન નથી. આ કોઈ રાજાની જાગીર નથી પણ લોકશાહીનું મંદિર છે. આ સ્માર્ટનેસ બતાવવાની જગ્યા નથી. સંસદ એ કોઈ કુસ્તીનું પ્લેટફોર્મ નથી. રાહુલે શારીરિક શક્તિ બતાવી છે. આ બોક્સિંગનો અખાડો નથી. હું રાહુલ ગાંધીની નિંદા કરું છું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ પ્રતાપ સારંગી કેસમાં ધક્કામુક્કીના આરોપની ખરાઈ કરવા માટે વિરોધના વીડિયોની તપાસ કરી રહી છે. જો રાહુલે ભાજપના સાંસદને ધક્કો મારતો વીડિયો જોવા મળશે તો ભાજપ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ કરી શકે છે.