જયપુર હાઇવે પર ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ઘણા વાહનોમાં લાગી આગ, 5ના મોત
રાજસ્થાનના જયપુરમાં એક ભયંકર દુર્ઘટના સામે આવી છે. અજમેર રોડ પર એક CNG ટેન્કરમાં વિસ્ફોટ થતાં લગભગ 40 વાહનોમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટને કારણે પેટ્રોલ પંપ સહિત કેટલાય વાહનોમાં આગ લાગી ગઈ, જેમાં બસ, ટ્રક, કાર વગેરે સામેલ છે. ઘટનાસ્થળે પહોંચેલા જયપુર કલેક્ટર જિતેન્દ્ર સોનીએ જણાવ્યું કે, ઘટનામાં 40 વાહનો સામેલ છે. તેમણે કહ્યું કે માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે મોકલવામાં આવી. આગ પર કાબૂ મેળવવાની સાથે જ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રાહત કાર્ય ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 23-24 લોકો ઘાયલ થયા છે.