પૂણેમાં 40 મુસાફરો ભરેલી બસે પલટી મારતા 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટો અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. એક 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતાં લગભગ 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જ્યારે દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત પૂણેના તમ્હાની ઘાટ નજીક સર્જાયો હતો. અહીં એક ખતરનાક વળાંક આવી જતાં બસ પલટી ખાઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસમાં સવાર તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ વળાંક પર બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ એક બાજુ નમી ગઇ હતી અને આ દુર્ઘટના સર્જાઇ હતી.