રાષ્ટ્રીય શોકના પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ, ફ્લાવર શો પણ મોડો શરૂ થશે
દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદની AMC દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 92 વર્ષની વયે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન બાદ 7 દિવસનો શોક જાહેર કર્યો છે. જેના પગલે અમદાવાદમાં આયોજીત કાંકરિયા કાર્નિવલ પણ AMC દ્વારા સંપૂર્ણ રદ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ફ્લાવર શોની તારીખમાં પણ ફેરફાર કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.
અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધી યોજનારો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ બંધ રહેશે. કાર્નિવલમાં એકપણ કાર્યક્રમ યોજાશે નહીં. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોનું 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે હવે 3 જાન્યુઆરીની આજુબાજુ આ ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લો મુકાશે.