રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ, ઓરેન્જ એલર્ટ જાહેર
ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યાં છે. રાજ્યના અનેક જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કમોસમી વરસાદની સાથે સાથે કરા પણ પડ્યા હતા, જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા 27 અને 28 ડિસેમ્બરે પણ રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદના રાઉન્ડની આગાહી કરાઇ છે. જ્યારે આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે બરફના કરા પાડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અહી વીજળીના ચમકારાનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઉપરાંત ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધુમ્મસ છવાયેલું રહેશે.