ગાંધીનગર

કલેકટર ગાંધીનગર દ્વારા કલોલ તાલુકાના પલસાણા ગામની મુલાકાત લેવામાં આવી

 અરજદારોને જરા પણ હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે અરજદારને જ ભગવાન સમજવાના મૂળ મંત્ર સાથે અધિકારીઓ અને કર્મચારીઓને હંમેશા અરજદારો માટે બનતું કરવાનો આગ્રહ કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે રાખે છે.અને તેના માટે હંમેશા જુદા જુદા ગામડાઓની ઓચિંતી મુલાકાત કરી કાર્ય નિરીક્ષણ કરતા રહે છે.

આ જ રીતે કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે શિક્ષણ પ્રત્યે પણ ખૂબ જ નોંધનીય કામગીરી કરી રહ્યા છે, જેના પગલે તેઓ આસપાસના ગામડાઓની સરકારી શાળાઓ તથા આંગણવાડીઓની મુલાકાત પણ કરતા રહે છે. આ મુલાકાતો દરમિયાન તેઓ પોતે વર્ગખંડમાં જઈ બાળકોની જ્ઞાન કસોટી કરવા સાથે સાથે શૈક્ષણિક કાર્ય કેવું ચાલી રહ્યું છે, તે અને શિક્ષણ સાથે સંસ્કાર સિંચનની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આગ્રહ કરતાં પણ જોવા મળે છે.

ત્યારે કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા તા.૩૧ ડિસેમ્બર ના રોજ કલોલ તાલુકાના પલસાણા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સૌ પ્રથમ કલેકટરશ્રીએ ગ્રામ પંચાયત કચેરીએ તલાટી કમ મંત્રીના રેકર્ડની સામાન્ય દફતર તપાસણી કરી હતી.જેમાં જન્મ મરણ રજિસ્ટર, નમૂના ૨, વસુલાતની પહોંચો વિગેરે ચકાસી રેકર્ડ અદ્યતન કરવા તેમજ વસુલાત માટે સઘન પ્રયાસો હાથ ધરવા સૂચના આપી હતી. આ મુલાકાત અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીએ ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની સાથે આત્મીયતાપૂર્વક વાર્તાલાપ પણ કર્યો હતો.આ ઉપરાંત રોડ અને પેટા આરોગ્ય કેન્દ્ર નિર્માણ અંગે જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપી ગ્રામજનોની સુખાકારી માટે કટિબદ્ધતાથી કાર્ય કરવા જણાવ્યું હતું.

તદુપરાંત મોબાઈલનાં વધતા જતા ઉપયોગને કારણે પ્રવેશેલા દૂષણો દૂર થાય અને નવી પેઢી આપણી પરંપરા અને સંસ્કૃતિને જાણે તે માટે તથા ગ્રામસંસ્કૃતિના ઉત્થાન હેતુ વડીલો, માતાઓને મોબાઇલનો લઘુતમ ઉપયોગ કરી હાલરડાં ગાવા જેવી પરંપરાઓ જીવંત કરવા નમ્ર અપીલ કરી હતી.

પલસાણા ગામના આયુષ્માન આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ દૈનિક ઓપીડી, દવાઓની ઉપલબ્ધતા, જરુરી આરોગ્ય સુવિધાઓ વિગેરેની સમીક્ષા કરી અને આરોગ્ય ચકાસણી માટે આવેલ શિશુ બાળાની કલેકટર શ્રી એ રૂબરૂ ચકાસણી કરાવી બાળકની માતાઓના પ્રતિભાવ પણ મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,કલેકટર શ્રી ગાંધીનગર શિક્ષણ ક્ષેત્રે પણ સુધારણા માટે ખૂબ જ સમર્પિત છે ત્યારે , પ્રાથમિક શાળા પલસાણાની મુલાકાત દરમિયાન વર્ગખંડ પ્રવેશ દ્વારે વિદ્યાર્થીઓના પગરખાં અસ્તવ્યસ્ત જોઈ, કલેકટરશ્રી એ જાતે યોગ્ય લાઈનબંધ મુકી વિદ્યાર્થીઓમાં ભણતર સાથે સારી ટેવો પણ આ ઉંમરથી સ્થાપિત થાય તે બાબતોની કાળજી રાખી શિક્ષણ સાથે સંસ્કાર સિંચન કરવા શાળાના શિક્ષકોને તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કારણ કે વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ‘શિસ્ત’ એ મહત્વનો પાયો છે‌.

     વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે ઘડીયા, બાળગીતો વગેરે ગાઈ,સાંભળી બાળકો સાથે અભ્યાસ અંગે વાતચીત કરી શિક્ષકોને એકતરફી નહિ પરંતુ દ્વિપક્ષી સંવાદ થકી શિક્ષણ આપવા સૂચન કર્યું હતું. કારણ કે કલેક્ટરશ્રીનું સ્પષ્ટ માનવું છે કે, જ્યારે પ્રશ્ન હશે ત્યારે જ તમે બાળકોના મનમાં ચાલતી દ્વિધાનું નિરાકરણ કરી શકો છો.

આ સિવાય કલેકટર શ્રીએ આંગણવાડી કેન્દ્ર ખાતે ભૂલકાઓ સાથે પ્રાર્થના કરી, હાજર વાલીઓ સાથે સ્વચ્છતા અને આંગણવાડીના બાળકોને મળતા ગરમ નાસ્તાની સુવિધા બાબતે પ્રતિભાવ મેળવ્યા હતા. અંતે હાજર કર્મચારી અધિકારીઓને સતત લોક સંપર્ક જાળવી ઉમદા કામગીરી કરવા પ્રોત્સાહિત પણ કર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x