ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ભાવનગરના MLA જીતુભાઈ વાઘાણી નિમાયા
અમદાવાદ, બુધવાર
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ભાવનગર પશ્ચિમ બેઠકના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા તેમની નિમણૂકનો નિર્ણય લેવાયા બાદ તેનો તાત્કાલીક અમલ કરવાનો આદેશ પણ ગુજરાત ભાજપ કાર્યાલયને અપાયો છે. બીજી બાજુ વાઘાણી ખૂબ જ જુનિયર હોવાથી પક્ષના ભીખુ દલસાણિયા, કે. સી. પટેલ અને I. K. જાડેજા જેવા સિનિયર નેતાઓમાં તથા સૌરાષ્ટ્રના પાટીદારોમાં ભારે નારાજગી પ્રવર્તી છે.
વિજય રૃપાણીની CM તરીકે વરણી થયા બાદ તુરંત જ તેઓએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું નવા પ્રમુખની પસંદગી પણ ભાજપ માટે માથાનો દુઃખાવો બની હતી. પ્રદેશ પ્રમુખ માટે સિનિયર મંત્રીઓ અને સંગઠનના સંભવિત નામોની ચર્ચા પણ શરુ થઈ હતી પરંતુ ભાજપ હાઇકમાન્ડે જે રીતે છેલ્લી ક્ષણોમાં CM ની પસંદગી બદલી હતી તે જ રીતે પ્રદેશ પ્રમુખમં પણ કર્યું છે.
જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખની રેસમાં જ નહોતા આમ છતાં તેમની વરણી કરવામાં આવી છે. હવે ભાજપના વર્ષો જૂના ખૂબ જ સિનિયર અને વરિષ્ઠ ગણાતા આગેવાનોએ પણ પોતાનાથી ઉંમર અને અનુભવમાં ખૂબ જ જુનિયર ગણાતા જીતુભાઈને ‘સાહેબ’ કહેવું પડશે.
સૂત્રો જણાવે છે કે, ગત મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમની જે બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા તે વિધાનસભા ક્ષેત્રના જ વિસ્તારોમાં આવતી ૧૩ પૈકીની ૧૧ બેઠકો કોંગ્રેસ જીતી ગઈ હતી ! આમ, તેઓ પોતે પોતાના મતવિસ્તારમાં પણ ભાજપને બચાવી શક્યા નહોતા હવે આમાં ગુજરાત ભાજપ સંગઠનનો કારભાર તેમને સોંપાયો છે.
૪૬ વર્ષના જીતુભાઈ દેશમાં કદાચ સૌથી યુવાન ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે. એબીવીપીથી કારકિર્દી શરુ કરી હતી, યુવા મોરચાની જવાબદારી પણ સંભાળી હતી. બી.કોમ. LLB સુધી ભણેલા વાઘાણી નાનપણથી જ RSS ના સ્વયંસેવક બની ગયા હતા.
સૂત્રો જણાવે છે કે, ધર્મ- જ્ઞાાતિમાં હિન્દુ પટેલ એવું લખાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના પાટીદારોનો આક્ષેપ છે કે તે લેઉઆ પાટીદાર નથી પરંતુ ગોલવાડીયા પટેલ છે. તેઓ ઘણાં જુનિયર હોવા છતં આટલી મોટી જવાબદારી સોંપી દેવાતા રાજકોટ અને અમરેલીના લેઉઆ પાટીદારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તેઓ આવતા અઠવાડિયે આ અંગે બેઠક પણ બોલાવશે અને આગળની રણનીતિ તૈયાર કરશે.