ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતના ૧૨ ધોરીમાર્ગો પર લેવાતો પેસેન્જર ટોલટેક્ષ ૧૫મી ઓગસ્ટથી નાબુદ

અમદાવાદ, બુધવાર
માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ૧૫મી ઓગસ્ટથી ધોરીમાર્ગો પર લેવાતા પેસેન્જર ટોલટેક્ષની મુક્તિની જાહેરાતનો અમલ કરવા અંગે રૃપાણી સરકારમાં ભારે અવઢવ પ્રવર્તતી હતી. લાંબી વિચારણા બાદ આખરે ૧૫મી ઓગસ્ટથી જ તેનો અમલ કરી દેવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ ગુજરાતના ૧૨ ધોરીમાર્ગો પરથી નીકળતી પેસેન્જર ગાડીઓએ ટોલનાકા પર ટેક્ષ ભરવાનો રહેશે નહી.

આ માર્ગો ઉપરથી રોજના ૮૬૦૦૦થી વધુ પેસેન્જર કાર પસાર થાય છે તેને ફાયદો થશે. તો બીજી બાજુ આ નિર્ણયથી સરકાર પર દર વર્ષે ૧૫૦ કરોડ રૃપિયાનો બોજો પડશે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરનો ટોલટેક્ષ યથાવત એટલે કે આપવાનો રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં મીડિયા સમક્ષ આ જાહેરાત કરતાં જમાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૃપાણી અને મુખ્ય સચિવ તથા નાણા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થઇ હતી. ત્યારબાદ ટોલટેક્ષની નાબૂદીનો નિર્ણય લેવાયો હતો. ૧૫મી ઓગસ્ટથી પેસેન્જર વાહનો જેવા કે કાર, જીપ જેવા ફોર વ્હીલર, રીક્ષા અને ત્રણ પૈડાવાળા વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ અપાઇ છે.
એસટી નિગમની બસોને પણ આ માર્ગો ઉપરથી ટોલટેક્ષમાંથી મુક્તિ અપાઇ છે. જેના કારણે એસટી બસનાં ભાડામાં ઘટાડો થશે. એક અંદાજ મુજબ લોકોને આ રૃટો પરનું વર્ષે ૨૦ કરોડનું ભાડુ ઓછું ચુકવવું પડશે. આ માર્ગો પર ૨૭ જેટલા ટોલ પ્લાઝા આવ્યા છે. જેના ઉપર કમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ લગાવાઇ છે. આ માર્ગો પરથી પસાર થતા વાહનોની સંખ્યાને આધારે પેસેન્જરો વતી ગુજરાત સરકાર ટોલટેક્ષની રકમ ભોગવશે.
ટોલટેક્ષ નાબુદ થતાં સર્વિસ રોડ પર જતાં વાહનો હવે મુખ્ય માર્ગ ઉપર આવશે. જેથી વાહનોની સંખ્યા વધશે. ડેપ્યુટી CMએ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્ર સરકાર હસ્તકમાં જે ૮ નેશનલ હાઇવે છે તેની સંપૂર્ણ માલિકી ભારત સરકારની છે. જેથી આ માર્ગો ઉપર ટોલટેક્ષમાંથી મુક્તિ આપવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક છે. કેન્દ્ર ભવિષ્યમાં જે નિર્ણય કરશે તેને રાજ્ય સરકાર અનુસરશે.

૧૨ ધોરીમાર્ગો પરથી ટોલટેક્ષ નાબુદ કરાયો છે તેની યાદી
– અમદાવાદ- મહોસાણા રોડ
– વડોદર- હાલોલ રોડ
– અમદાવાદ- વિરમગામ- માળીયા રોડ
– હાલોલ- ગોધરા- શામળાજી રોડ
– રાજકોટ- જામનગર- વાડીનગર રોડ
– હિંમતનગર બાયપાસ રોડ
– કીમ માંડવી રોડ
– ભુજ- નખત્રાણા રોડ
– ડીસા- પાથાવાડા- ગુંદરી રોડ
– છાપાપુરી- આર.ઓ.બી. રેલ ઓવરબ્રીજ
– કપડવંજ- મોડાસા રોડ
– બગોદરા- બામણબોર રાષ્ટ્રીય ધોરીમાર્ગ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x