હવે પાકિસ્તાને કચ્છ બોર્ડરની રાધા બેટ પર નેવી સીલ કમાન્ડો ગોઠવ્યા, સરહદે એજન્સીઓની નજર
ભુજ:
કચ્છની સરહદે પાકિસ્તાનની ગતિવિધિ ખૂબ વધી છે. કચ્છની સરહદ સામે પાર આવેલા પાકિસ્તાનના રાધા બેટ અને નાથીયા ગલીમાં પાકિસ્તાને એેસએસજી કમાન્ડોની સાથે નેવી સીલ કમાન્ડો તહેનાત કરી દીધા હોવાની વાત બહાર આવી છે. આ અંગે મળતી વિગતો મુજબ બાલાકોટ પર ભારતે એરસ્ટ્રાઇક કરી ત્યારથી કચ્છ સરહદે પાકિસ્તાનની મુવમેન્ટ વધી ગઇ છે. તેના પર ભારતીય એજન્સીઓની ચાંપતી નજર છે. એક તબક્કે કચ્છની સામે પારથી પાકિસ્તાને કમાન્ડો દૂર કરવાની શરૂઆત કરી હતી, પરંતુ કાશ્મીરમાં ભારતે ૩૭૦ની કલમમાં ફેરફાર કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. તેના કારણે કચ્છ બોર્ડર પર તેણી સૈન્યની સંખ્યા વધારવાની સાથે એસએસજી કમાન્ડો તહેનાત કર્યા છે. તેનાથી પણ આગળ હવે કચ્છ પાસે આવેલા રાધા બેટ સહિતના ટાપુઓ પર એસએસજીના કમાન્ડોની સાથે નેવીના સીલ કમાન્ડો ગોઠવી દીધા છે. તેની તમામ જાણકારી ભારતીય એજન્સીઓ રાખી રહી છે. દુશ્મન દેશની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો કેટી બંદર પાસે આવેલા નાથીયા ગલીમાં પણ હલચલ છે. અહીં કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરમાં નેવી અને એસએસજીના કમાન્ડોને તાલીમ અપાઇ રહી છે. અહીં પાકિસ્તાનના અધિકારીઓની આવ-જાવ પણ વધી ગઇ છે. તો ઇકબાલ બાજવા અને રાધા બેટ પર એસએસજી કમાન્ડોની સંખ્યા વધારે નથી તેવું સૂત્રો જણાવી રહ્યા છે.