આજથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યમાં ભાજપ સંગઠનની પુન: રચનાની પ્રક્રિયા વચ્ચે ઉતરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે 13 જાન્યુઆરી સાંજે અમદાવાદ ખાતે આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભા વિસ્તાર થલતેજ, ન્યુ રાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉતરાયણના તહેવારની ઉજવણી કરશે. તેમજ ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય મંત્રીનો ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. જેમાં હાલ ભાજપ સંગઠનની રચના માટે રાજકીય બેઠકો યોજાઇ તેવી પણ શક્યતા છે. જેમાં હાલ ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા અંગે બેઠક યોજાઇ શકે છે. ગુજરાત ભાજપના હાલના અધ્યક્ષ સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી નવા અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ તેની જાહેરાત ઉત્તરાયણ બાદ કરવામાં આવે તેવી પણ શક્યતા છે