સોનું ચમક્યું, પ્રથમ વખત ઐતિહાસિક ભાવ પર પહોંચ્યું
સોનું ચમક્યું, પ્રથમ વખત ઐતિહાસિક ભાવ પર પહોંચ્યું
સોનાની કિંમત આજે એટલે કે સોમવારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનાની કિંમત પહેલી વખત 40000 ને પાર થઇ ગઇ છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને તે 45000 પાર થઇ ગયો છે.
પહેલી વખત 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામના 40000થી વટીને 40175 થઇ છે. 23 ઓગસ્ટના દિવસે સોનું 38920 રૂપિયા પર અટક્યુ હતુ. એક જ દિવસે સોનાના કિંમતમાં રૂ.1215 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જૂલાઇ મહિનાના અંત સુધી 24 કેરેટના સોનાનો ભાવ રૂ. 36000 પ્રતિ 10 ગ્રામ હતો, એક જ મહિનામાં સોનાના ભાવ વધીને 4000 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, રિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર અને હોંગકોંગના ચીન સરકાર સામે ચાલતા વિરોધને કારણે ઇન્ટનેશનલ માર્કેટમાં પણ સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત અમેરિકાના ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય 72.15ના તળિયે પહોંચી ગયુ છે. ફરી એકવખત રૂપિયો 72 ના તળિયાથી પણ ગગડ્યો છે. આથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત $1522થી વધીને $1543 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સોનાના ભાવમાં આવી અભૂતપૂર્વ તેજી અગાઉ ક્યારેય નથી જોવા મળી.
જૂલાઇમાં બજેટની જાહેરાત વખતે સોનાની આયાત પર કસ્ટમ ડ્યૂટી 10% થી 12.5% કરી દેવાઇ હતી, જે સોનાના ભાવમાં વુદ્ઘિનું એક મહત્વનું કારણ છે.
ઉલ્લેખનીય છે કે, સોની કિંમતમાં વધારો થતા ઘરેણાના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોનાની કિંમતમાં વધારો થતા માર્કેટમાં સિક્કા અને લગડીની માંગ પણ ઘટી ગઇ છે. જે લોકોને લગ્ન કે પ્રસંગ માટે સોનું ખરીદવુ પડે છે તેઓ અગાઉ ખરીદેલા ઘરેણાના બદલામાં કે લગડીના બદલામાં સોનું ખરીદી રહ્યા છે.