માહિતી ખાતાના સિનિયર સબ ઍડિટરને રાજ્યપાલના હસ્તે Award for Excellence એનાયત
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ખાતે ફરજ બજાવતા માહિતી ખાતાના સિનિયર સબ ઍડિટર કૌશિક ગજ્જરને મીડિયા સંબંધિત ઉતકૃષ્ટ કામગીરી બદલ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા Award for Excellence એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી ખાતે યોજાયેલા 15માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગત લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પુરસ્કૃત કરાયા હતા. જેમાં મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના મીડિયા સેલમાં સિનિયર સબ ઍડિટર તરીકે ફરજ બજાવતા કૌશિક ગજ્જરને રાજ્યપાલશ્રી દ્વારા પ્રશસ્તિ પત્રથી નવાજવામાં આવ્યા હતા.
લોકસભાની ચૂંટણી દરમ્યાન પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સાથેના સંકલન, પ્રેસ કૉન્ફરન્સના સફળ આયોજન, કચેરીની વિવિધ શાખાઓ તથા જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ સાથે સંકલન સહિતની બાબતોમાં પ્રશંસનીય ભૂમિકા ભજવવા બદલ તેમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિનિયર સબ ઍડિટર કૌશિક ગજ્જર વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 થી આ કચેરીમાં ફરજ બજાવે છે. અગાઉ તેઓ જિલ્લા માહિતી કચેરી, પાટણ ખાતે માહિતી મદદનીશ તરીકેની ફરજ દરમ્યાન પણ જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિ પામી ચૂક્યા છે.