ગાંધીનગરમાં કડી વિદ્યાલયના બાળકો સાથે રાજ્યપાલે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યો
દેશના બાળકો કોઈ જાતના તનાવ કે દબાણ વિના પરીક્ષા આપી શકે એ માટે તેમને સજ્જ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અનૌપચારિક સંવાદ સ્વરૂપે બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના કડી સર્વ વિદ્યાલયમાં બાળકો સાથે બેસીને ‘પરીક્ષા પે ચર્ચા’ના આઠમા સંસ્કરણનું પ્રસારણ નિહાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે આપણા માટે ભાગ્યશાળી દિવસ છે, કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને જીવનનો અણમોલ સંદેશ આપશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં શિક્ષણવિદ્દ છે. હરિયાણાના કુરુક્ષેત્ર, કરનાલ અને અંબાલામાં આવેલા ગુરુકુળન તેઓ સંચાલક છે. એટલું જ નહીં, 35 વર્ષ સુધી તેમણે બાળકોને ભણાવ્યા છે. શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યના પ્રખર આગ્રહી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ‘પરીક્ષા પે ચર્ચા’ના પ્રસારણ પૂર્વે બાળકો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે, પરીક્ષા એ યોગ્યતા માપવાની એક સારી પ્રક્રિયા માત્ર છે. પરીક્ષાથી ડરવાની બિલકુલ જરૂર નથી આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપો. પરીક્ષા એક ઉત્સવ બનવી જોઈએ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 8 વર્ષ અગાઉ શરૂ કરેલી પહેલ ‘પરીક્ષા પે ચર્ચા’ના આઠમા સંસ્કરણનું પ્રસારણ નિહાળવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં શ્રી કડી સર્વ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી મુકેશ પંડ્યા, ગાંધીનગરના કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે. પટેલ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ પણ બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ માં જોડાયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, ફક્ત પરીક્ષામાં સારા ગુણ મેળવવાથી જીવનમાં સફળ નથી થવાતું, આત્મવિશ્વાસ, સખત મહેનત અને આત્મનિયંત્રણ પણ સફળતા માટે એટલા જ અગત્યના છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષ ક્ષમતા હોય છે, એટલે વિદ્યાર્થીઓએ નિષ્ફળતાથી ડર્યા વગર તેમાંથી શીખવું જોઈએ. મજબૂત બની, આત્મવિશ્વાસ અને સખત મહેનત સાથે આગળ વધીએ તો સફળતા ચોક્કસ મળે છે. સખત મહેનત એ જ સફળતાની ચાવી છે. આળસ એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. જેઓ સખત મહેનત કરે છે તે જ જીવનમાં પ્રગતિ કરે છે. તેથી તમારી બધી શક્તિ અને સમર્પણ સાથે અભ્યાસ કરો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે વધુ સારું પ્રદર્શન કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપતાં કહ્યું કે, જ્યારે તમે પરીક્ષા ખંડમાં જાઓ, ત્યારે સૌથી પહેલાં શાંત ચિત્તે પ્રશ્નપત્ર ધ્યાનથી વાંચો. ગભરાયા વિના, પહેલા કયા પ્રશ્નોના ઉત્તર લખવા તે નક્કી કરો. સૌથી સરળ લાગે તેવા પ્રશ્નો પહેલા ઉકેલો. તેનાથી આત્મવિશ્વાસ વધશે અને તમારી ઝડપ પણ વધશે.
રાજયપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, પરીક્ષા એ જીવનનું એક પગથિયું છે, તેમાં તણાવ લેવાની કે ડરવાની જરૂર નથી. પરીક્ષા સુધીના સમયનો યોગ્ય ઉપયોગ કરો. ટાઈમ ટેબલ બનાવો અને તે મુજબ અભ્યાસ કરો. આ સમયગાળા દરમિયાન, મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયા જેવી બિનજરૂરી પ્રવૃત્તિઓથી દૂર રહો. તમારા ભવિષ્યનો પાયો નાખવાનો આ સમય છે. જેમ ઈમારતનો પાયો જેટલો મજબુત હોય છે, તેટલી તે વધુ ટકાઉ હોય છે, તેવી જ રીતે તમારા જીવનનો પાયો તૈયાર કરવાનો આ સમય છે. વિદ્યાર્થીઓને માતા-પિતા અને શિક્ષકોનું સન્માન કરવા જણાવીને રાજયપાલશ્રીએ કહ્યું કે, માતા-પિતા પોતે અભાવોમાં હોવા છતાં પણ તમારી જરૂરિયાતો પૂરી કરે છે. અને આજકાલના દીકરા-દીકરીઓ એક મોબાઈલ કે એક મોટરસાયકલ ના મળવાથી માતા-પિતાથી નારાજ થઈ જાય છે. આ સૌથી મોટો અપરાધ છે. આપણી સંસ્કૃતિ “માતૃદેવો ભવ:, પિતૃદેવો ભવ:, આચાર્યદેવો ભવ:” ની છે, માતા-પિતા અને શિક્ષકો તેમનું સર્વસ્વ તમારા માટે સમર્પિત કરે છે. તેથી, તેમની લાગણીઓને માન આપો અને કોઈપણ પ્રકારની નકારાત્મક વિચારસરણી ટાળો. રાજ્યપાલશ્રીએ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યો હતો.