ગાંધીનગર

આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તથા લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવી

ગાંધીનગર : પ્રમુખ-મંત્રી કે કોઇપણ હોદ્દેદારો વગરની ર૬ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા આહીર સમાજના તેજસ્વી તારલાઓનો ર૪મો સરસ્વતી સન્માન તથા સત્કાર સમારંભ તાજેતરમાં જ ટાઉન હોલ ખાતે યોજાઇ ગયો. જેમાં ગાંધીનગરમાં વસતાં આહીર સમાજના પરિવારોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.

સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કર્યા બાદ ધોરણ ૧ થી ૧ર તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા ૪૩ તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ/પારિતોષિક તથા પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું. જેમાં વયનિવૃત્ત થયેલ અધિકારીશ્રીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ર૪ ભૂલકાઓએ ડાન્સ/સ્પીચ જેવી વિવિધ કૃતિઓ રજુ કરી હતી.


યુવા નેતા શ્રી ભીમસીભાઈ ખોડભાયા, ભા.જ.પ. કાર્યકરને મુખ્ય ભોજન દાતા તરીકે તથા વિવિધ અગ્રણીઓને બુકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે તેજસ્વી તારલાઓના શિલ્ડની સ્પોન્સરશીપ શ્રી નીતિનભાઇ ભાટીયા અને સાંસ્કૃતિક કાર્યક્રમના ઇનામોની સ્પોનરશીપ શ્રી રણધીરભાઈ મ્યાત્રાએ જાહેર કરી હતી. આ પ્રસંગે સમાજના વિવિધ આગેવાનોએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં આહીર સમાજની પ્રગતિ અને પ્રતિભાઓને બિરદાવીને ગુણવત્તાયુકત શિક્ષણ પર ભાર મુક્યો હતો.

સમારોહના અંતે નાના ભૂલકાઓ દ્વારા સામુહીક ડાન્સ રજુ કરવામાં આવતાં સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો હતો. આ તમામ બાળકોને ગીફ્ટ આપીને બિરદાવવામાં આવ્યા હતાં. રાત્રીના ભોજન સમારોહ બાદ સૌરાષ્ટ્રના લોક સાહિત્યકાર શ્રી અનુભા ગઢવી તથા લોકગાયક શ્રી ભાવેશભાઇ આહીર દ્વારા લોકડાયરો રજુ કરીને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. સમારોહને સફળ બનાવવા માટે ટીમ લીડર શ્રી ભરતભાઇ ઝાલા તથા શ્રી જેન્તીભાઇ આંબલિયા, શ્રી પરબતભાઇ ધુવા, શ્રી પરબતભાઈ પોસ્તરીયા, શ્રી ભાવેશભાઇ કલસરીયા, ડો.ધર્મેશ નકુમએ જહેમત ઉઠાવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x