ગાંધીનગર જિલ્લામાં લોકશાહીના પર્વની ઉજવણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં સંપન્ન
જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં આજે સવારે ૭.૦૦ કલાકથી જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહયો હતો. યુવાનો, વૃદ્ધો, દિવ્યાંગો, મહિલાઓ સૌ સાથે મળીને વિવિધ મતદાન મથકો પર મતદાન કરવા માટે ઉત્સાહભેર ઉમટી પડ્યા હતાં. આ તબક્કે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો હતો. મતદાન મથકોએ મતદારોની કતારો પણ જોવા મળી હતી. ગાંધીનગર તાલુકાની વાત કરવામાં આવે તો અડાલજ, ટીંટોડા, ઉવારસદ જેવા અનેક મતદાન કેન્દ્રોમાં મતદાતાઓની લાઈનો જોવા મળી હતી. જિલ્લાના વિવિધ મતદાન મથકો ખાતે પોલીસની કામગીરી પણ સરાહનીય જોવા મળી હતી. મતદાતાઓને જરા પણ અગવડ ન પડે તે માટે પોલીસ કર્મીઓ પણ તેમને મદદ કરતા જોવા મળ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી મેહુલ કે. દવેની આગેવાનીમાં ચુંટણીપંચ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી, હાલિસા જિલ્લા પંચાયત પેટા ચૂંટણી, લવાડ તાલુકા પંચાયત પેટા ચૂંટણી, આમજા તાલુકા પંચાયત પેટા ચૂંટણી, માણસા નગરપાલિકા સામાન્ય તેમજ કલોલ નગરપાલિકા વોર્ડ નંબર ચારની પેટા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલ માં મતદાન યોજાયું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ લોકશાહીના પર્વની ઉજવણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં થઈ છે.
જે પૈકી માણસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 28 બેઠકો માટે અંદાજિત 63.97 ટકા મતદાન થયું છે, કલોલ નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર ચારમાં 36.93 ટકા તથા હાલીશા ખાતે પેટા ચૂંટણી અંતર્ગત એક બેઠક માટે 60.70% મતદાન અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે 65.72% જ્યારે દેહગામ લવાડ બેઠક માટે 74.80 ટકા મતદાન અને માણસાની આમજા બેઠક માટે અંદાજે 64.40 ટકા અંદાજિત મતદાન થયું છે.