ગાંધીનગર જિલ્લામાં 60 બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત ગાંધીનગર જિલ્લાની વિવિધ ૬૦ બેઠકોના ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જે પૈકી ગાંધીનગર તાલુકા પંચાયત ૨૮ બેઠકો માંથી ૨૦ ભાજપના ફાળે ગઈ છે, જ્યારે ૦૮ પર કોંગ્રેસે જીત મેળવી છે. તે જ રીતે માણસા નગરપાલિકાની ૨૮ બેઠકમાંથી ૨૭ પર ભાજપે જીત હાંસલ કરી છે,અને માણસા વોર્ડનં-૩ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. હાલીસા , આમજા બેઠક અને કલોલ નગરપાલિકા વોર્ડ નંબર-૦૪, આ ત્રણેય પેટા બેઠકો પર ભાજપની જીત થાય છે. જ્યારે લવાડ ખાતે કોંગ્રેસની જીત થઈ છે. આમ ગાંધીનગર જિલ્લાની વિવિધ ૬૦ બેઠકો માંથી ૫૦ બેઠકો પર ભાજપ તથા ૧૦ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જે બાદ ભાજપના ગઢમાં કાર્યકર્તાઓ ગેલમાં જોવા મળ્યા હતા. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી જીત મેળવી છે.જેમાં રાજ્યની 10 નગરપાલિકાઓમાં ભાજપની ક્લિન સ્વીપ મળી છે.