ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી: 18 ફેબ્રુઆરીથી 09 માર્ચ સુધી ચાલુ રહેશે
ગુજરાતના ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, વર્ષ ૨૦૨૪-૨૫ માં ચણા અને રાયડાની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે. ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ માટે ચણા પાક માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની પાક માટે રૂ.૫૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ટેકાના ભાવ કરતા બજારભાવ નીચા જાય ત્યારે ભારત સરકારશ્રીની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.૧૮.૦૨.૨૫ થી તા.૦૯.૦૩.૨૦૨૫ (દિન-૨૦) સુધી ખેડૂતોની ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. રાજ્યના ચણા અને રાયડો પકવતાં ખેડૂત ભાઈઓએ લાભ લેવા અનુરોધ છે.
વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તા.૧૪.૦૩.૨૦૨૫ ના રોજથી કરવાનું સુચિત છે. રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડા પાકની ખેડુતો પાસેથી પુરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકારશ્રીએ તમામ આગોતરૂ આયોજન હાથ ધરેલ છે.