ગેરકાયદેસર ખનિજ પરિવહન: ગાંધીનગરમાંથી 1 કરોડનો મુદ્દામાલ કરાયો જપ્ત
ગાંધીનગર જિલ્લામાં કલેક્ટરશ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના અનુસાર ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગ દરમિયાન બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનિજનું વહન કરતા 3 વાહનો પકડાયા. ગાંધીનગર તાલુકાના પુંધરાસણ, પિંપળજ અને પોર ગામ વિસ્તારમાં ડમ્પરો રોયલ્ટી પાસ કે ડીલીવરી ચલણ વગર ખનિજ વહન કરી રહ્યા હતા. કુલ 1 કરોડ રૂપિયાનું ખનિજ અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ વાહન માલિકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર ખનિજ પરિવહન રોકવા માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ ચાલુ રહેશે.