વિવાદિત વક્ફ બિલને કેબિનેટનો લીલી ઝંડી, વિપક્ષનો વિરોધ યથાવત્
કેન્દ્રીય કેબિનેટે વક્ફ (સંશોધન) બિલને મંજૂરી આપી દીધી છે, જે સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં રજૂ કરવામાં આવી શકે છે. બજેટ સત્રનો બીજો ચરણ 10 માર્ચથી 4 એપ્રિલ 2025 સુધી ચાલશે. મહત્વની વાત એ છે કે 13 ફેબ્રુઆરી 2025એ સંસદીય સમિતિએ વક્ફ બિલ પર રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો હતો. આ રિપોર્ટના આધારે બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેને હવે મોદી કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે. વક્ફ બિલ પહેલેથી 2024ના ઓગસ્ટમાં સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષના વિરોધના કારણે તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું. વિપક્ષના આક્ષેપો અને સુધારાઓ બાદ, જગદંબિકા પાલની નેતૃત્વ હેઠળ આ સમિતિએ સરકારને અહેવાલ સોંપ્યો. ત્યારબાદ, બિલના નવા ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત, 29 જાન્યુઆરીએ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ વક્ફ બિલમાં કરવામાં આવેલા ફેરફારો પરના રિપોર્ટને મંજૂરી આપી હતી. આ રિપોર્ટમાં 15 સભ્યો પક્ષમાં અને 14 સભ્યો વિરોધમાં હતા. રિપોર્ટમાં ભાજપના સાંસદો દ્વારા કરવામાં આવેલા ફેરફારોનો સમાવેશ થયો છે. પરંતુ વિપક્ષના સાંસદોએ આ ફેરફારો પર વિરોધ વ્યક્ત કર્યો, ખાસ કરીને આ આક્ષેપ સાથે કે આ બિલ વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ છે. વધુમાં, વક્ફ બાય-યુઝર પ્રાવધાનને દૂર કરવાનો પ્રસ્તાવ પણ વિરોધમાં આવ્યો હતો.