સુરતમાં ખાસ થીમ પર યોજાઇ ‘સાયક્લોથોન ઈકોપેડલ ર૦રપ’
સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ફન, ફિટનેસ અને ક્લીન એન્વાયરમેન્ટને ધ્યાને રાખી ‘રાઈડ ગ્રીન, બ્રીથ ક્લીન – પેડલ અવે ફ્રોમ પોલ્યુશન એન્ડ એડિકશન’ તથા ‘સાયબર સુરક્ષા’ અને ‘ડ્રગ્સ ફ્રી સુરત’ની થીમ સાથે વાય જંકશનથી ડુમસ અને ડુમસથી વાય જંકશન સુધી ‘સાયક્લોથોન ઈકોપેડલ ર૦રપ’નું આયોજન કરાયું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ આપણે દરેકને સ્વચ્છ અને હરિયાળું સુરત બનાવવા માટે યોગદાન આપવા હેતુ સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરવા માટે પ્રોત્સાહિત કરે છે. સાયકલના દરેક પેડલ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે અને આપણા તથા ભાવિ પેઢી માટે સ્વચ્છ, શ્વાસ લેવા યોગ્ય વાતાવરણનું નિર્માણ કરશે. આજની આ વિરલ ઘટના ફક્ત પર્યાવરણ જાગૃતિ વિષે જ નથી, પરંતુ આ શહેરને ડ્રગ્સ-મુક્ત સુરત બનાવવા માટે પણ છે. એક એવું શહેર જ્યાં હેલ્થ, વેલ બિઇંગ અને પોઝીટીવ હેબીટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સાયક્લોથોનમાં ભાગ લઈને, આપણે સ્વચ્છ અને સ્વસ્થ જીવનની સાથે સાથે વ્યસનમુક્ત જીવન જીવવાના મહત્વ વિષે પણ જાગૃતિ લાવી રહ્યા છીએ.