સુરતમાં કાપડ માર્કેટમાં ઉઠામણું કરનાર આરોપીને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્ચ
સુરતમાં એકતા ટેકસ્ટાઈલ માર્કેટમાં યશ ક્રિએશનના નામે ધંધો કરી ઉઠમણું કરીને છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે વિસનગર ખાતેથી છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપી જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ અંબાલાલ પટેલને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ સામે આવ્યું હતું કે તે 2018માં સુરત શહેરમાં એકતા માર્કેટ ખાતે યશ ક્રિએશનના નામથી ગ્રે કાપડ તથા તૈયાર માલનો ધંધો મુકેશ પુરોહિત સાથે ભાગીદારીમાં કરતા હતા. આ ધંધામાં ગ્રે કાપડ તથા ફીનીશ માલ વિવિધ દલાલો મારફતે મંગાવતા હતા તથા વેચતા હતા. આ દરમ્યાન વિવિધ પેઢીઓમાંથી ગ્રે માલ મેળવી તેની ફીનીશ પ્રોડક્ટ બનાવી તેના પર એમ્બ્રોડરીનું જોબવર્ક કરાવી નાણાકીય લાભ મેળવ્યો અને જે પાર્ટીનો માલ રાખેલ તેને પેમેન્ટ ન આપતા તેમની ઉપર સલાબતપુરા તથા ચોકબજાર પોલીસ મથકમાં ગુના દાખલ થયા હતા જેથી પોતે ધરપકડથી બચવા વિસનગર ખાતે પરિવાર સાથે સ્થાઈ થઇ ગયો હતો.