ગાંધીનગરમાં નિવૃત્તિ સમારંભમાં પર્યાવરણનો સેવા યજ્ઞ
ગાંધીનગર: ગાંધીનગરના પર્યાવરણ પ્રેમી પરિવાર દ્વારા તાજેતરમાં એક અનોખો વિદાય સમારંભ યોજાયો હતો. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં 25 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયેલા મનીષા જોષીના સન્માનમાં હોટલ લીલા ખાતે આયોજિત સમારંભમાં પરિવારજનોએ પર્યાવરણની જાળવણીનો ઉમદા સંદેશ આપ્યો હતો.
પ્રદીપ સોલંકી અને મનીષાબેનના પરિવારે “પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર અભિયાન” અંતર્ગત ઉપસ્થિત સ્વજનો અને હોટલ લીલાના સ્ટાફને કાપડની થેલીઓનું વિતરણ કર્યું હતું. “સેવા પરમો ધર્મ”ના સૂત્રને સાર્થક કરતા પરિવારે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રદીપભાઈનો પરિવાર ગાંધીનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સર્પ અને ઘાયલ પક્ષીઓના બચાવ માટે નિઃશુલ્ક સેવા કરી રહ્યો છે. આ વિદાય સમારંભમાં પણ તેમણે પર્યાવરણ પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવી હતી.
આ સમારંભમાં ઉપસ્થિત મહેમાનોએ પરિવારના આ કાર્યને બિરદાવ્યું હતું અને પર્યાવરણની જાળવણી માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.