ભરૂચ: દહેજ સેઝ 2 માં નિયોજેન કેમિકલ્સમાં ભીષણ આગ, પ્લાન્ટ અને વેરહાઉસ ખાખ
ભરૂચ જિલ્લાના દહેજ SEZ 2 માં મંગળવારે મોડી રાત્રે નિયોજેન કેમિકલ્સમાં ભીષણ આગ લાગી હતી, જેમાં MPP3 પ્લાન્ટ અને વેરહાઉસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આગની બીજી ઘટના સામે આવી છે. મંગળવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે દહેજ SEZ 2 માં સ્થિત નિયોજેન કેમિકલ્સના 3-મિથાઈલફોસ્ફિનિકો-પ્રોપિયોનિક એસિડના MPP-3 પ્લાન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી.પ્લાન્ટમાં હાજર જ્વલનશીલ રસાયણો અને એસિડને કારણે, આગે થોડી જ વારમાં ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. ભીષણ આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હોવાથી ભય અને અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. આગે પ્લાન્ટની સાથે સાથે વેરહાઉસને પણ લપેટમાં લીધું હતું.આગની જાણ થતાં જ દહેજ અને આસપાસના વિસ્તારમાંથી 16 ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, અકસ્માત સમયે રાત્રે કંપનીમાં કામ કરતા તમામ 128 કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ડિસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH) ના અધિકારીઓએ આગના કારણની તપાસ શરૂ કરી છે. આગને કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.