સિરોહીમાં ટ્રક-કાર અકસ્માત, 6 લોકોના મોત, 1 ગંભીર
રાજસ્થાનના સિરોહીથી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આબુ રોડ પર ગુરુવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થયા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. કિવરલી પાસે થયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ટ્રકની નીચે ઘૂસી ગઈ હતી. ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયા હતા, જ્યારે 2 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હાલ એક મહિલાની હાલત ગંભીર છે.
અકસ્માત દરમિયાન એટલો જોરદાર અવાજ આવ્યો હતો કે હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્રેનની મદદથી ટ્રકમાં ફસાયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહોને બહાર કાઢવા માટે કારના દરવાજા તોડવા પડ્યા હતા. 40 મિનિટની ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતકોના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરી દેવામાં આવી છે. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં કારની સ્પીડ વધારે હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.