કહાનવા શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો લાફો, વાલીઓમાં રોષ
જંબુસર તાલુકાના કહાનવા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષકે ધોરણ 5ના વિદ્યાર્થીને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીની આંખમાં ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, કહાનવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હિમાંશુ હસમુખભાઈ પરમારને શિક્ષક ભરતભાઈએ આંખ પર લાફો માર્યો હતો.
શિક્ષકના હાથમાં વીંટી પહેરેલી હોવાથી વિદ્યાર્થીની આંખ પર ગંભીર ઈજા થઈ હતી. વિદ્યાર્થીની માતાએ આ ઘટના અંગે શાળાના આચાર્યને રજૂઆત કરી હતી, પરંતુ આચાર્યએ આવી કોઈ ઘટના બની હોવાનો ઇન્કાર કર્યો હતો. આ ઘટનાથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેઓ માગણી કરી રહ્યા છે કે તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ આ મામલે યોગ્ય તપાસ કરે અને વિદ્યાર્થીને ન્યાય અપાવે.