દક્ષિણ ગુજરાતમાં છવાયો અંધારપટ, 32 લાખથી વધુ ગ્રાહકો પ્રભાવિત
અચાનક ઉકાઈ પાવર સ્ટેશનમાં ગરબડ થવાના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. વીજળી જવાથી અંદાજે 32 લાખ 37 હજાર ગ્રાહકો પ્રભાવિત થયા છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ, 45 તાલુકાઓ, 23 શહેરો અને 3461 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, તાપી, ડાંગ અને નર્મદા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઉકાઈ પાવર સ્ટેશનના બધા જ પાવર પ્લાન્ટ બંધ થઈ ગયા છે. જેના કારણે વીજળી પૂર્વવત થવામાં પાંચ કલાકથી વધુ સમય લાગી શકે છે.
ભરૂચ DGVCL ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉકાઈ પાવર પ્લાન્ટ બેસી જવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ થઈ છે. ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થઈ ગયો છે. આ ઘટનાની અસર ટ્રેન વ્યવહાર પર પણ પડી શકે છે. જો કે, ભરૂચ રેલવે સ્ટેશનના CMI શુકલાજીએ માહિતી આપી છે કે, રેલવે પેસેન્જર ટ્રેનને કોઈ અસર નહિ થવા દે. ગુડ્ઝ ટ્રેનનું સંચાલન અટકાવવામાં આવશે. વીજળી જવાથી દક્ષિણ ગુજરાતના રહેણાંક વિસ્તારો, વ્યાપારી સંસ્થાઓ અને ઉદ્યોગોને ભારે અસર થઈ છે. લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. વીજળી વિભાગના અધિકારીઓ વીજળી પૂર્વવત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.