રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ત્રિભાષી ફોર્મ્યુલાને લઈને તમિલનાડુમાં હિન્દી વિરુદ્ધ ચાલી રહેલા વિવાદમાં આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને અભિનેતા પવન કલ્યાણે ઝંપલાવ્યું છે. તેમણે તમિલનાડુ સરકારના વલણ સામે સવાલ ઉઠાવ્યા છે.
પવન કલ્યાણે કહ્યું કે, “મને સમજાતું નથી કે કેટલાક લોકો સંસ્કૃતની ટીકા શા માટે કરે છે? આર્થિક લાભ માટે તેમની ફિલ્મોને હિન્દીમાં ડબ કરવાની મંજૂરી આપતાં તમિલનાડુના રાજકારણીઓ હિન્દીનો વિરોધ શા માટે કરે છે? તેઓ બોલિવૂડ પાસેથી પૈસા માંગે છે, પરંતુ હિન્દી સ્વીકારવાનો ઇનકાર કરે છે – આ કેવો તર્ક છે?”
તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલન એટલી હદે પહોંચી ગયું છે કે તાજેતરમાં બજેટના લોગોમાંથી રૂપિયાના દેવનાગરી પ્રતીકને હટાવીને તેની જગ્યાએ તમિલ મૂળાક્ષરો લગાવવામાં આવ્યો છે. સીએમ સ્ટાલિન પોતે હિન્દી વિરોધી આંદોલનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે.