આસામ GST બિલ લાગુ કરનાર દેશનું પહેલું રાજ્ય બન્યું
ગુવાહાટી, તા. 13 ઓગસ્ટ 2016
આસામમાં ગૂડ્ઝ અને સર્વિસિસ ટેક્સ (GST) બંધારણીય સુધારા બિલ લાગુ કરનાર દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. આસામ વિધાનસભામાં આ બિલને સર્વસમંતિથી પસાર કરવામાં આવ્યું. વિધાનસભામા ચાલી રહેલા સત્રમાં બિલ રજુ કરતા પહેલા રાજ્ય મંત્રીમંડળે શુક્રવાર સવારે બિલને મંજુરી આપી દીધી.
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે ખરડો પસાર થયા બાદ ટ્વીટ કર્યું,’વિધાનસભામાં શુક્રવારે ઐતિહાસિક બીલ પસાર થયું. આસામ જીએસટી બંધારણીય સુધારા બિલ પસાર કરનાર દેશનું પહેલું રાજ્ય બની ગયું છે. સોનોવાલે કહ્યું કે મને ખાતરી છે કે આર્થિક વિકાસ તથા ઇમ્પ્રુવ્ડ આવક સંગ્રહના માધ્યમથી આસામમાં જીએસટીથી લાભ થશે.’
સોનોવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલીફોન પર વાતચીત દરમિયાન આસામ વિધાનસભામાં બિલ પસાર થવા પર શુભેચ્છા પાઠવી.
રાજ્યના નાણામંત્રી હેમંત વિશ્વ સરમાએ કહ્યું કે ઉદ્યોગને સકારત્મક સંદેશ આપવા માટે મુખ્યમંત્રી ઇચ્છતા હતા કે આસામ આ બિલનને પસાર કરનાર પહેલું રાજ્ય બન્યું. વિપક્ષી કોંગ્રેસ તથા ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના ધારાસભ્યોએ પણ બિલનું સમર્થન કર્યું, જોકે તેમણે પહેલા આસામ અને રાજ્યના લોકો પર જીએસટીના પ્રભાવનું અંદાજીકરણ માટે ચર્ચાની માંગ કરી હતી.