ભવિષ્યમાં મુંબઇ અને દુબઇ વચ્ચે અંડરવોટર ટ્રેન દોડશે
મુંબઈ અને દુબઈ વચ્ચે ભવિષ્યમાં દરિયાની અંદર ટ્રેન દોડાવવાની શક્યતા પર યુએઈ વિચાર કરી રહ્યું છે. આ પ્રોજેક્ટથી બંને દેશો વચ્ચે વેપાર અને પર્યટનને વેગ મળશે. યુએઈના નેશનલ એડવાઈઝર બ્યૂરો લિમિટેડ દ્વારા આ યોજના પર વિચારણા કરવામાં આવી રહી છે. બ્યૂરોના વડા અબ્દુલ્લા અલશેહીના જણાવ્યા અનુસાર, તેઓ મુંબઈને દુબઈના ફુજૈરાહ સાથે દરિયાઈ અલ્ટ્રા-હાઈ-સ્પીડ રેલ નેટવર્ક વડે જોડવા માગે છે. આનાથી માત્ર યુએઈ અને ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોને પણ ફાયદો થશે.
આ યોજના હેઠળ, દુબઈથી ભારત ક્રૂડ તેલની નિકાસ કરી શકાશે અને ભારતથી નર્મદાનું મીઠું પાણી આયાત કરી શકાશે. આ રેલ નેટવર્ક લગભગ 2,000 કિમી લાંબુ હશે અને ટ્રેનની ઝડપ 600 થી 1,000 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. ટ્રેનમાં પેનોરમિક વિન્ડો હશે, જેના દ્વારા પ્રવાસીઓ દરિયાઈ જીવસૃષ્ટિનો નજારો માણી શકશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે હજુ ફિઝિબિલિટી સર્વે હાથ ધરવામાં આવશે.