કેદારનાથમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધની તૈયારી
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં હવે બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. ભાજપના ધારાસભ્ય આશા નૌટિયાલે દાવો કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા કેદારનાથમાં હિન્દુ સિવાયના અન્ય કોઇ પણ વ્યક્તિને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલાક બિનહિન્દુ તત્વો પવિત્ર ધાર્મિક સ્થળોએ માંસ, માછલી અને દારુ જેવી વસ્તુઓનું વેચાણ કરીને ત્યાંની પવિત્રતાને ડાઘ લગાવવાનો પ્રયાસ કરે છે. આથી તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો ખૂબ જ જરૂરી બની ગયો છે.
આ મુદ્દે તાજેતરમાં જ પ્રદેશ પ્રભારી સૌરભ બહુગુણાએ અધિકારીઓ અને સ્થાનિક લોકો સાથે એક બેઠક યોજી હતી, જેમાં આવા બિનહિન્દુ તત્વોને ઓળખીને તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે આ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ શિવની ભૂમિ છે અને આખા દેશમાંથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે. તો પછી કોને કોને રોકવામાં આવશે? તેમણે ભાજપના નેતાઓ પર સનસની ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમના મતે જો કોઇ ધાર્મિક સ્થળોને અભડાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તો તેને અટકાવવાની જવાબદારી સરકારની છે, પરંતુ એક ખાસ ધર્મના લોકોને પ્રતિબંધિત કરવાનો કોઇ અર્થ નથી.