ગાંધીનગરમાં ગેરકાયદે ખનિજ વહન કરતા વાહનો ઝડપાયા, 2.65 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદે ખનિજ વહન કરતા વાહનો સામે જિલ્લા વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર મેહુલ કે. દવેના નેતૃત્વ હેઠળ છેલ્લા ત્રણ દિવસમાં કુલ 8 વાહનો ઝડપાયા છે, જેમાંથી આશરે 2.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તાજેતરમાં, 21 માર્ચ, 2025ના રોજ, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે દહેગામ અને કલોલ વિસ્તારમાંથી સાદી રેતીનું ગેરકાયદે વહન કરતા 2 ડમ્પર ઝડપ્યા હતા. આ વાહનોમાં રોયલ્ટી પાસ વગર રેતીનું વહન થઈ રહ્યું હતું, જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા છે.
આ કાર્યવાહીમાં કાર્બોનીયસ સેલ, અધર બિલ્ડીંગ સ્ટોન અને સાદી રેતી જેવા ખનિજોનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા વાહન માલિકો સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-2017 હેઠળ દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ અટકાવવા માટે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું સતત કાર્યરત છે.