સમાન આવક હોય તો પતિએ પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જો પતિ-પત્નીની આર્થિક અને સામાજિક સ્થિતિ સમાન હોય, તો પત્નીને ગુજરાન ભથ્થું ચૂકવવાની જરૂર નથી. આ નિર્ણય એક મહિલા દ્વારા તેના અલગ થયેલા પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે. જસ્ટિસ અભય એસ. ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે પોતાના ટૂંકા આદેશમાં કહ્યું કે, અરજદાર અને પ્રતિવાદી (પતિ-પત્ની) બંને એક જ પદ એટલે કે સહાયક પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેથી આ ખાસ પરવાનગી અરજી ફગાવી દેવામાં આવે છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે, જો પત્ની આત્મનિર્ભર હોય અને પોતાની આવકમાંથી ગુજરાન ચલાવી શકે, તો પતિ પર ગુજરાન ભથ્થું ચૂકવવાની જવાબદારી નથી રહેતી. આ ચુકાદો એવા પરિવારો માટે મહત્વપૂર્ણ છે જ્યાં બંને પતિ-પત્ની સમાન રીતે કમાણી કરતા હોય છે.