અક્ષરધામ દ્વારા આયોજિત પ્રવચનમાળા-109 યોજાઇ
પૂ. શ્રીજીકીર્તનદાસ સ્વામીએ હરિબળગીતા વિષયક વાત કરતા સૌ પ્રથમ જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ અધ્યાત્મની ભૂમિ છે. અહીં વારંવાર અવતારો પ્રગટ થતા રહ્યા છે. એ જ અવતાર પરંપરામાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા અને સાથે નંદસંતમાળ પણ પ્રગટ થઈ. તેમાં એક હતા નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામીમાં કાષ્ઠ કળા, શિલ્પ કળા કુદરતી હતી. નિષ્કુળાનંદ સ્વામીએ સાહિત્યમાં જે પ્રદાન કર્યું છે તેની મોટા મોટા સાહિત્યકારો, વિદ્વાનોએ પણ નોંધ લીધી છે. લાઘવતા તેમની વિશેષતા હતી. થોડા શબ્દોમાં ઝાઝુ કહી દેવાની કળા હતી. તેઓ કોઈપણ એક વિષયને અલગ-અલગ દૃષ્ટિકોણથી અને ઐતિહાસિક રીતે મૂલવી શકે છે. ધીરજ આખ્યાન અને હરિસ્મૃતિ આ બંને ગ્રંથો તેમણે એક શબ્દના ગુણ ઉપર લખ્યા છે.
અધ્યાત્મ માર્ગમાં સૌથી મહત્ત્વનું ભગવાનનો અનન્ય આશરો છે. આશરો એટલે આલંબન, આધાર. સલામતીની દરેકને અપેક્ષા રહે છે. જો ભગવાનનો આશરો મુખ્ય ન રહે તો આપણે બીજાનો આધાર શોધીએ. કોઈને ધનનો પણ આશરો હોય છે. પરંતુ નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કરેલું તેમ છતાં કોઈ કામમાં ન આવ્યું. બધુ મૂકીને ચાલ્યો ગયો. અંતે બધું દુઃખરૂપ સાબિત થયું. ધન કમાવાથી પ્રસિદ્ધિ મળે છે, પણ શાંતિ મળતી નથી.

ભગવાન અપાર છે, ભરપૂર છે છતાં જીવ કેમ દૃઢ આશરો કરી શકતો નથી? તેનું કારણ છે કુસંગ. કુસંગના યોગમાં વહેલો મોડો વિનાશ થવાનો જ છે. તેમાં કોઈ શંકા નથી. તમારી કોની સાથે બેઠક-ઉઠક છે તે મહત્ત્વનું છે.
કર્ણ શૂરવીર હતા, સદગુણી હતા પણ કુસંગીના યોગમાં આવ્યા તો ડાઘ લાગી ગયો. સંગ ઓળખી શક્યા નહિ. જીવની એવી નબળાઈ છે એક ક્ષણ પણ કુસંગનો યોગ થાય તો કરોડો વર્ષોનું પુણ્ય હરી લે છે. દુર્જનથી હજારો માઈલ દૂર રહેવું જોઈએ. કુસંગ ભગવાનથી દૂર લઈ જાય છે.
બીજુ, આશરો દૃઢ ન થવા દે તે આપણો સ્વભાવ છે. અંતઃશત્રુ થકી દૃઢ આશરો થઈ શકતો નથી. અંદરથી જોડાઈ શકાતું નથી અને ભગવાનની આજ્ઞા પળાતી નથી. ભગવાનન અને સંત આપણા હિત માટે કંઈ કહેતા હોય તો આપણે માનવું જોઈએ. ન માનવામાં ઘણું દુઃખ આવે છે. યથાર્થ શરણાગતિ થઈ શકતી નથી, સ્વભાવ અને માન આપણો આશરો દૃઢ થવા દેતા નથી. શંકરાચાર્ય કહે છે, ભગવાનનું જ્ઞાન સમુદ્ર જેવું છે તેની સામે આપણું જ્ઞાન પાણીના ટીપા જેટલું છે. તેથી ભગવાન પાસે આપણે અહંકાર કે માન ન રાખવું.

ભગવાનનું કર્તાપણું સમજીએ તો માન, અહંકાર આપણને ન રહે. સ્થાવર-જંગમ બધી રચના ભગવાને કરેલ છે, ભગવાન કરે તેમ જ થાય છે. ખેડૂત મહેનત કરે પણ તેને ઉગાડે છે ભગવાન. માનવ પુરુષાર્થથી પરિણામ આવે પરંતુ તે ભગવાનની ઇચ્છાથી મળે છે. કોઈપણ દુઃખ આવે તો પણ આશરો કોઈ દિવસ મૂકવો નહિ. ઉત્કૃષ્ટ શરણાગતિ એટલે આશરો અનન્યભાવે કરવો તે.
આ જ શરણાગતિ અર્થાત આશરો ભગવાન સ્વામિનારાયણથી લઇ તેમની સમગ્ર ગુરુપરંપરામાં જોવા મળે છે. એકધારી આજ્ઞા પાળી, મરજી પ્રમાણે કર્યું છે. જે દૃઢ શરણાગતિ વિના શક્ય નથી. તેમાંથી કૃતાર્થપણાનો અનુભવ થાય છે. દૃઢતા, આશરો હોય તો સંપૂર્ણ શરણાગતિ થાય છે. આશરો પણ પોતાની મેળે થઈ શક્તો નથી. તેના માટે શાસ્ત્રમાં કહ્યા તેવા પંચવર્તમાને પૂર્ણ સંત મળે તો કામ થઈ જાય. આજે સૌ ભક્તોને એવા સંત મહંતસ્વામીની ઉપસ્થિતિમાં કૃતાર્થપણાનો અનુભવ થાય છે. આવા સંત દ્વારા ભગવાનને મળ્યા જેવો અનુભવ થાય છે.

પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી 110માં વ્યક્તિવિશેષ વિષયક પ્રવચન શ્રીપાદ મધ્વાચાર્ય – જીવન અને કાર્યની રૂપરેખા બીએપીએસ અક્ષરધામ ગાંધીનગરના સંતશ્રી, પૂ. દિવ્યસંકલ્પદાસ સ્વામીએ આપી હતી. ત્યારબાદ રસપ્રદ પ્રશ્નોત્તરી દ્વારા શ્રીજીકીર્તનદાસ સ્વામીએ તર્કબદ્ધ ઉત્તરો આપીને શ્રોતાઓની જીજ્ઞાસા સંતોષી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ.ભ. જીતુભાઈ મિસ્ત્રીએ કર્યું હતું. છેલ્લે આર્ષના કચેરી અધીક્ષક પ.ભ. પ્રશાંત ભટ્ટે શાબ્દિક આભારવિધિ કરી હતી.