ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના વિવિધ માંગોને લઈ ધામા
ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે રાજ્યભરના વ્યાયામ શિક્ષકો આંદોલનના માર્ગે ઉતર્યા છે. શિક્ષકોની માંગ છે કે રાજ્યમાં વ્યાયામ શિક્ષક, ચિત્ર શિક્ષક અને કમ્પ્યુટર શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે. ભૂતકાળમાં જ્યારે શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા ત્યારે પોલીસે તેમને ડિટેઈન કર્યા હતા.
શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) લેવામાં આવી હતી. જેમાં બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન (BPE), BPED, MPED-MPE નો અભ્યાસ પૂર્ણ કરનારા 1,700 ઉમેદવારો પાસ થયા હતા. હાલમાં રાજ્યમાં 3,100 થી વધુ જગ્યાઓ ખાલી છે.
ગાંધીનગર ખાતે 500-600 ઉમેદવારો 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયક યોજના રદ કરવાની અને કાયમી વ્યાયામ શિક્ષકની ભરતીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. જેમાં 200 જેટલી મહિલા ઉમેદવારો તેમના બાળકો સાથે જોડાયા હતા.