ગાંધીનગરમાં ‘સૂર્ય ઘર યોજના’ અને ‘કેચ ધ રેન’ પ્રોજેક્ટની કામગીરીને વેગ અપાશે
ગાંધીનગર: કલેક્ટર મેહુલ કે. દવેના અધ્યક્ષસ્થાને ‘પી.એમ સૂર્યઘર યોજના’ અને ‘જળસંચય જનભાગીદારી- Catch The Rain’ પ્રોજેક્ટના અમલીકરણ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ ‘સૂર્ય ઘર યોજના’ની ગાઈડલાઈન મુજબ દરેક ગામમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજવા સૂચન કર્યું હતું. આ ગ્રામસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજનાની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં દરેક ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે.
વધુમાં, આગામી પાંચ દિવસમાં પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને આ વિષય પર એક બેઠકનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં સ્થાનિક વિસ્તારની દરેક બેંકના પ્રતિનિધિને ગ્રામસભામાં હાજર રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી તેઓ યોજનાના લાભ માટે બેંક તરફથી લોનની સુવિધા અંગે લોકોને માર્ગદર્શન આપી શકે. કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને ‘સૂર્ય ઘર યોજના’ની માહિતી સરળતાથી લોકો સુધી પહોંચાડવા અને ‘કેચ ધ રેન’ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે પટેલ, નિવાસી અધિક કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, માણસાના ધારાસભ્ય જે. એસ. પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, શ્રી મયંક પટેલ અને અમલીકરણ સંસ્થાના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.