ગાંધીનગર

પ્રાકૃતિક ખેતી: કુદરતી ચક્રોથી છોડનો વિકાસ, જાણો કેવી રીતે

પ્રાકૃતિક ખેતી એ જમીનનાં સત્વનું રક્ષણ કરતી વિલક્ષણ ખેતીપદ્ધતિ છે. હાલનાં સમયમાં પ્રાકૃતિક ખેતી એક વ્યવહારીક ખેતી તરીકે પ્રસ્થાપીત થઈ રહી છે. આ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતી ફક્ત નાના ખેડુતો જ નહિં પણ, મધ્યમ અને મોટા ખેડુતોને પણ લાભદાયી છે.પ્રાકૃતિક ખેતીથી ઉપજેલ ખેતપેદાશો ઝેરમુક્તઅને સ્વાસ્થ્યની દૃષ્ટીએ સર્વશ્રેષ્ઠ સાબિત થઈ છે. ગુજરાત રાજ્યના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પદ્મશ્રી સુભાષ પાલેકરના સંશોધન અને તાંત્રિક સહયોગથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વર્ણવી છે, જેને આધારે પ્રાકૃતિક ખેતીમાં ખાતર અને જંતુનાશક દવાઓની જગ્યાએ કુદરતી ચક્રો દ્વારા છોડનું પોષણ અને રક્ષણ કેમ થાય છે? તે જાણીએ.
જળચક્ર
પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રીય પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિના કારણે જમીન છિદ્રાળુ અને ભરભરી બને છે. આ કારણે વરસાદના પાણીનો મોટો જથ્થો જમીનમાં ઊંડે સુધી ઉતરે છે અને સંગ્રહ થાય છે. આ સંગ્રહિત પાણીમાં જમીનમાં રહેલા પોષક તત્વો અને ખનીજો મિશ્રિત થાય છે. જ્યારે ઉપરની જમીનમાં પાણીની અછત સર્જાય ત્યારે નીચેનું સંગ્રહિત પાણી કેશાકર્ષણ દ્વારા દ્રાવ્ય થયેલા પોષક તત્વો સાથે મૂળ નજીક આવે અને છોડને જરૂરી ભેજ અને પોષક તત્વો પૂરાં પાડે છે. આમ પ્રાકૃતિક કૃષિમાં થતા જળ વ્યવસ્થાપનના કારણે અતિવૃષ્ટિમાં પાકને નુકસાન થતું નથી અને પાણીની અછતમાં છોડને જરૂરી ભેજ મળી રહે છે.
ખાદ્યચક્ર
છોડના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન (કાર્બોદિત પદાર્થો)નો હિસ્સો ૯૫ થી ૯૬ ટકા જેટલો હોય છે. જેનું નિર્માણ છોડના પર્ણમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પાણી અને (હવામાં રહેલા) કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી થાય છે. પાણી, હવા અને સૂર્યપ્રકાશનું જરૂરિયાત મુજબનો સમન્વય થાય તો છોડના પોષણની ૯૫ ટકા જરૂરિયાતો સંતોષાય છે. પ્રાકૃતિક કૃષિમાં વાપ્સા, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિના ઉપયોગથી આવો સમન્વય સ્થાપિત થાય છે.
નાઇટ્રોજન ચક્ર
પાકની વૃદ્ધિ માટે નાઇટ્રોજન તત્વ આવશ્યક છે. હવામાં ૭૮ ટકા નાઈટ્રોજન રહેલો છે. છોડને નાઇટ્રોજન બે પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય થઈ વરસાદના પાણી દ્વારા જમીનને મળે છે. પ્રાકૃતિક કૃષિના વિવિધ જીવામૃત વગેરેના ઉપયોગથી તેમજ ઝેરી જંતુનાશક ન વપરાવાથી જમીનમાં મોટી માત્રામાં સૂક્ષ્મ જીવાણું હાજર હોય છે. આ જીવાણુંઓ દ્વારા નાઇટ્રોજનનું શોષણ થાય છે તથા છોડને જરૂરી સ્વરૂપમાં પરિવર્તન થાય છે. આથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બહારથી કોઈ પણ પ્રકારના ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી.
આમ, પ્રાકૃતિક કૃષિમાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રનું અનેરુ મહત્વ છે, જેનાથી છોડના વિકાસ માટેની તમામ જરૂરીયાતો પ્રાકૃતિક રીતે જ સંતોષાય છે અને હાનિકારક ખાતર અને ઝેરી જંતુનાશકો વગર સ્વાસ્થ્યપ્રદ ખેતપેદાશો મેળવી શકાય છે.
આલેખન : ભાર્ગવ કે. ભંડેરી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x