કલેકટર ગાંધીનગર દ્વારા દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા ગામે મુલાકાત લેવામાં આવી
જ્યાં સુધી કરણી અને કથની એક ન હોય ત્યાં સુધી દરેક ઉપદેશ વ્યર્થ છે,પણ જો ખરેખર કથની અને કરણીમાં અંતર ન હોય તો ગમે તેવા વિકટ કાર્યો પણ સરળતાથી કરવા સાથે સમાજને હકારાત્મક પરિણામ આપી શકાય છે.
આજ વાતને યથાર્થ સાબિત કરતા જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા જિલ્લા વહીવટી તંત્રના દરેક અધિકારી તથા કર્મચારીઓને વારંવાર જનહિતના કાર્યો તથા અરજદારો અને લાભાર્થીઓને યોગ્યરીતે બનતી મદદ કરવા અનુરોધ કરવામાં આવે છે. અને કલેક્ટર શ્રી પોતે પણ ગાંધીનગર જિલ્લામાં આકસ્મિક ગ્રામ્ય મુલાકાતો કરી, છેક છેવાડાના ગામડાઓ સુધી પહોંચી નાગરિકોન વચ્ચે જઈ તેમની સમસ્યાઓ જાણવા તથા તેમને મળતી સરકારી સેવાઓ યોગ્ય રીતે મળી રહે તે માટે પ્રયત્ન કરતા રહે છે.
જે અન્વયે કલેક્ટરશ્રી ગાંધીનગર દ્વારા દહેગામ તાલુકા ખાતે તા.૨૮/૩/૨૫ ના રોજ અમરાજીના મુવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી.જેમા તેઓ પ્રાર્થનામા સહભાગી થયા બાદ પ્રાથમિક શાળાના આચાર્ય,શિક્ષકો તેમજ બાળકો સાથે શિક્ષણલક્ષી ચર્ચા કરી બાળકોનું ભવિષ્ય ઉજ્વળ થાય તથા તેમની શૈક્ષણિક સફર તેમને કામયાબી તરફ દોરી જાય અને તેઓ આપણા દેશની આવતી કાલના સક્ષમ નાગરિક બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે કલેક્ટરશ્રીની આ જિલ્લામાં 10માં ગામની આકસ્મિક મુલાકાત હતી.
કલેકટર શ્રી એ આ આકસ્મિક વિઝીટ દરમિયાન ગ્રામ પંચાયતની પણ મુલાકાત લીધી હતી.જેમાં ગ્રામપંચાયત દફતરની સામાન્ય દફતર તપાસણી કરી હતી. ત્યાર પછી આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી જેમા આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તથા જરુરી આરોગ્ય કેન્દ્ર ખાતેના ઉપલબ્ધ સંશાધનોની ચકાસણી કરી, ગ્રામજનોને આરોગ્યની ઉત્તમ સવલત મળી રહે તે બાબતે સંબંધિતશ્રીઓને જરુરી સુચન કર્યુ હતું.
આ પ્રસંગે અમરાજીના મુવાડા ખાતે આવેલ આંગણવાડીની મુલાકાત લઈ કલેકટરશ્રીએ બાળકો તેમજ સખીમંડળની બહેનોને આંગણવાડીના બાળકોને ઉત્તમ આહાર મળી રહે તે બાબતે જરુરી સુચન કરતા જણાવ્યું હતું કે, આપણા આ નાના ભુલકાઓજ આપણા દેશની આવતી કાલ છે,જો સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું હોય તો બાળકોને યોગ્ય આહાર આપવો જરૂરી છે.
મુલાકાત દરમિયાન શ્રી પરાગ કેવડીયા,પ્રોજેકટ ડાયરેકટરશ્રી આત્મા,હેતલબા ચાવડા,મામલતદારશ્રી દહેગામ,શ્રી પી.જે.મહીડા,તાલુકા વિકાસ અધિકારીશ્રી દહેગામ તથા અન્ય કર્મચારીગણ હાજર રહ્યા હતા.