સુરતમાં 12 હજાર માતા-દીકરીઓએ ઘુમ્મર નૃત્ય કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરત શહેરમાં રાજસ્થાનના સ્થાપના દિવસની ઉજવણીમાં એક ભવ્ય નજારો જોવા મળ્યો, જ્યારે 12,000 માતા-દીકરીઓએ એકસાથે રાજસ્થાનનું પરંપરાગત ઘુમ્મર નૃત્ય રજૂ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું. આ ઐતિહાસિક ઘટના ગોડાદરા વિસ્તારના મરુધર મેદાનમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે યોજાઈ, જેમાં રાજસ્થાની સમાજે પોતાની સંસ્કૃતિની અનોખી ઝાંખી પૂરી પાડી. આ કાર્યક્રમમાં ગિનિસ બુકના અધિકારીઓ પણ હાજર રહ્યા અને આ ક્ષણના સાક્ષી બન્યા. 30 માર્ચે ઉજવાતા રાજસ્થાન દિવસની આ ઉજવણીએ સુરતને રાજસ્થાનના રંગોમાં રંગી દીધું, અને આ નૃત્યએ જયપુરમાં 6,000 મહિલાઓ દ્વારા બનાવાયેલો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો.આ ભવ્ય આયોજનમાં 12,000 બહેનો અને માતાઓએ પરંપરાગત રાજસ્થાની પોશાક પહેરીને ઘુમ્મર નૃત્યની રજૂઆત કરી, જે રાજસ્થાનની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. આ નૃત્યે ગુજરાત અને રાજસ્થાનની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.