આજથી મધ્યપ્રદેશના 19 ધાર્મિક સ્થળો પર દારૂબંધીનો અમલ શરૂ
મધ્યપ્રદેશ સરકારે આજે, 1 એપ્રિલ, 2025થી રાજ્યના 19 ધાર્મિક શહેરો અને ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ દારૂબંધીનો અમલ શરૂ કરી દીધો છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા અગાઉ આપવામાં આવેલી માહિતી મુજબ, આ નિર્ણયને 24 જાન્યુઆરી, 2025ના રોજ મહેશ્વરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અગાઉ અમુક નિયંત્રણો હોવા છતાં, હવે તેને વધુ સ્પષ્ટ અને અસરકારક બનાવવામાં આવ્યા છે.
CMO દ્વારા જાહેર કરાયેલા સ્થળો અનુસાર, ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર, મંડલેશ્વર, ઓરછા, મેહર, ચિત્રકૂટ, દતિયા, પન્ના, મંડલા, મુલતાઈ, મંદસૌર અને અમરકંટકની સંપૂર્ણ શહેરી હદમાં આજથી દારૂનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. તે જ રીતે, સલકનપુર, કુંડલપુર, બાંદકપુર, બરમાનકલાં, બરમાનખુર્દ અને લિંગાની ગ્રામ પંચાયતની હદમાં આવેલી તમામ દારૂની દુકાનો અને બાર પર પણ આજથી પ્રતિબંધ લાગુ થઈ ગયો છે. આમ, મધ્યપ્રદેશના આ 19 ધાર્મિક અને ગ્રામીણ વિસ્તારોને સંપૂર્ણ પવિત્ર ક્ષેત્ર જાહેર કરીને આજથી દારૂના વેચાણ પર સંપૂર્ણપણે રોક લગાવવામાં આવી છે.