જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાઈ
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં આજે રમજાન ઈદ પર્વની પરંપરાગત રીતે ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. રમજાન માસમાં રોઝા રાખ્યા બાદ આજે ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોએ શહેરની ઈદગાહ તેમજ વિવિધ મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરી હતી. નમાજ દરમિયાન શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે, અને સૌ લોકો નિરોગી રહી પ્રગતિ કરે તેવી દુઆઓ માંગવામાં આવી હતી. ઈદના પવિત્ર તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ધાર્મિક વડાઓ અને મૌલવીઓએ વિશેષ તકરીર કરી સમગ્ર સમાજ માટે દુઆઓ ગુજારી હતી. ઉલ્લેખનીય છે કે રમજાનનો ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારમાં રમઝાનમય માહોલ છવાઈ ગયો હતો. ગામમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર પંથકમાં ઈદની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ.