ગાંધીનગરમાં દારૂની રેલમછેલ! 14 લાખનો જથ્થો ઝડપાયો, બે ઝડપાયા!
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે સરગાસણ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના કટિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આસ્કા હોસ્પિટલથી રિલાયન્સ ચોકડી તરફના રોડ પર એક અવાવરૂ મકાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી આશરે ચાર હજાર બોટલ વિદેશી દારૂ, એક કાર અને એક સ્કૂટર સહિત કુલ 14 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રોહિત પ્રજાપતિ અને શ્રવણ ખરાડી નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો હાર્દિક પાસવાન અને લાલાભાઈ નામના બે વ્યક્તિઓએ મંગાવ્યો હતો. પોલીસે કાર પર લાગેલી ડુપ્લીકેટ નંબર પ્લેટ પણ કબ્જે કરી છે. ગાંધીનગર પોલીસની ટીમે આ સફળ કાર્યવાહી કરી છે અને હવે ફરાર અન્ય ત્રણ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.