ભાજપના ૪૦ ધારાસભ્યો લાલબત્તીવાળી કારમાં ફરશે
અમદાવાદ
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ૧૧ સંસદીય સચિનો નિમાયાં છે. વહીવટી દ્રષ્ટિએ સંસદીય સચિની કોઇ ભૂમિકા નથી તેમ છતાંયે મંત્રી સમક્ષક ગાડી,બંગલો, સ્ટાફ અને ઓફિસ ફાળવવામાં આવી છે. અસંતોષની જવાળા ઠારવા માટે રૃપાણીએ તમામ જૂથોને મંત્રીપદ સમક્ષક હોદ્દા આપવાનો રાજકીય પ્રયાસ કર્યો છે. ભાજપના ૪૦ ધારાસભ્યો લાલબત્તીની કારમાં ફરશે.
૨૪ મંત્રી,૧૧ સંસદીય સચિવો, વિધાનસભાના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ, દંડક, ઉપદંડકને કાર-બંગલા અપાયાં
ભાજપના ૧૨૦ ધારાસભ્યો પૈકી ૨૪ ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત રૃપાણીએ ૧૧ ધારાસભ્યોને સંસદીય સચિવનો હોદ્દો આપી દીધો છે. મુખ્ય દંડક , નાયબ દંડક અને દંડક એમ ત્રણ ધારાસભ્યોને પણ મંત્રી સમક્ષક હોદ્દો આપી દેવાયો છે. હવે ભાજપના બે ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે નિમવામાં આવશે.
આમ, કુલ મળીને ૪૦ ધારાસભ્યોને લાલબત્તીની કાર, બંગલો, ઓફિસ અને સ્ટાફ સહિતની જરૃરી સુવિધા પુરી પાડવામાં આવી છે. અમિત શાહ- આનંદીબેન જૂથ વચ્ચે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તેવા હોદ્દાઓની છૂટા હાથે લ્હાણી કરવા ભાજપે પ્રયાસો કર્યાં છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ જ હોદ્દા આપીને ભાજપના હોદ્દેદારોને દોડતા કરવા ભાજપ હાઇકમાન્ડે રાજકીય દાવ અજમાવ્યો છે.