જામનગર નજીક વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાઇલટનું મોત
જામનગરના સુવરડા ગામ પાસે ગત રાત્રે વાયુસેનાનું જગુઆર ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. તાલીમ દરમિયાન બનેલી આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર બે પાઇલટમાંથી એકનું ઘટનાસ્થળે જ નિધન થયું છે, જ્યારે બીજા પાઇલટને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્લેન તૂટી પડતા ખેતરમાં આગ લાગી હતી, જેને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ વાયુસેના અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પ્લેન ક્રેશ થવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.