દહેગામ નજીક ગમખ્વાર અકસ્માત, બે જિંદગીઓ હોમાઈ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રાધાકુઈ નજીક ગત બુધવારે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. રાધાકુઈથી અરજણજીના મુવાડા વચ્ચેના રોડ પર એક ડાલા ગાડી (GJ-27-YU-3585) અને બાઇક (GJ-18-DH-0590) વચ્ચે જોરદાર ટક્કર થતાં બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
મૃતકોની ઓળખ યુવરાજસિંહ (ઉં.વ. આશરે 16) અને નરેશકુમાર ચંન્દ્રસિંહ ચૌહાણ તરીકે થઈ છે. તેઓ બાઇક પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ડાલાના ચાલક જશવંતસિંહ દલપતસિંહ ચૌહાણ વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને દહેગામની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.