વક્ફ સુધારા બિલ 2025 આખરે રાજ્યસભામાં પણ પાસ
વક્ફ સુધારા બિલ 2025 આખરે રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું છે, લોકસભા બાદ લાંબી ચર્ચા પછી મોડી રાત્રે તેને મંજૂરી મળી. બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 વોટ પડ્યા હતા. હવે આ બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે, ત્યારબાદ તે કાયદો બનશે. આ બિલને વિપક્ષ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મુસ્લિમ વિરોધી ગણાવીને દેશભરમાં વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના કામકાજમાં પારદર્શિતા લાવવા માટે આ સુધારા કર્યા હોવાનો દાવો કર્યો છે. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે આ સુધારા વક્ફ સંપત્તિના યોગ્ય સંચાલન અને જવાબદારી સુનિશ્ચિત કરશે.
વિપક્ષે આ બિલને ગેરબંધારણીય ગણાવીને મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના સૈયદ નાસીર હુસૈને સરકાર પર ધ્રુવીકરણનું રાજકારણ રમવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે ભાજપના જેપી નડ્ડાએ કહ્યું કે આ બિલ વક્ફ સંપત્તિને સુવ્યવસ્થિત કરવા માટે છે અને સરકાર કોઈની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માંગતી નથી. તેમણે કોંગ્રેસ પર મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી રાખવાનો આરોપ લગાવ્યો હતો.