ગુજરાત પોલીસના ડોગ સ્ક્વોડમાં નવા 11 તાલીમબદ્ધ સભ્યોનો ઉમેરો
ગુજરાત પોલીસે આ નવા સભ્યોના નામકરણ માટે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા
ગુજરાત પોલીસની કે9 ફોર્સને વધુ મજબૂતી મળી છે. રાજ્ય પોલીસના પોતાના ડોગ બ્રીડિંગ સેન્ટરમાં જન્મેલા બેલ્જિયન મેલિનૉઇસ જાતિના 11 નવા ગલુડિયાં સ્ક્વોડમાં જોડાયા છે. આ 6 નર અને 5 માદા ગલુડિયાંની માતા ‘ચેઝર’ પણ આ જ કેન્દ્રમાં જન્મેલી અને તાલીમ પામેલી છે. વિશ્વની સૌથી કુશળ ગણાતી આ જાતિના કૂતરાં નાર્કોટિક્સ અને વિસ્ફોટકો શોધવામાં નિષ્ણાત હોય છે. આ ગલુડિયાંને પણ ભવિષ્યમાં આવી જ તાલીમ આપવામાં આવશે.
ગુજરાત પોલીસે આ નવા સભ્યોના નામકરણ માટે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ પહેલથી પોલીસ અને નાગરિકો વચ્ચે જોડાણ વધશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ દેશની એકમાત્ર રાજ્ય પોલીસ છે જેનું પોતાનું ડોગ બ્રીડિંગ સેન્ટર છે. માદા કૂતરી ચેઝરે જૂન 2024માં એક ત્યજી દેવાયેલા નવજાત બાળકને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેનું સન્માન પણ થયું હતું. હવે તેના દ્વારા જન્મેલા આ નવા ગલુડિયાં રાજ્યની સુરક્ષામાં યોગદાન આપશે.